માનવામાં આવે છે કે, એક સમયે નાવિકો તેમની પ્રેમિકાના નામ પર વાવઝોડાંને નામ આપતાં હતાં. સમયની સાથે ઓસ્ટ્રેલિયામાં ભ્રષ્ટ નેતાઓના નામ પરથી વાવાઝોડાને નામ આપવાનું શરૂ થયું હતું. તો અમેરિકામાં મહિલાઓના નામ પરથી વાવાઝોડાને નામ આપવાનું શરૂ થયું. જો કે, અમેરિકાએ પુરુષોના નામ પરથી નામ આપવાનું શરૂ કર્યું તો અન્ય કેટલાયે દેશોએ પણ આ પ્રથા અમલી બનાવી હતી. સાથે સાથે એવા પણ કેટલાક દેશ હતા જે વનસ્પતિ અને પ્રાણીઓના નામ પરથી વાવાઝોડાને નામ આપતા હતા.
જો કે વર્ષ 1953થી માયામી નેશનલ હરિકેન સેન્ટર અને વર્લ્ડ મટિરિયોલોજિકલ ઓર્ગેનાઈઝ વાવાઝોડાંના નામ રાખતા હતા. જો કે વર્ષ 2004માં WMOની અધ્યક્ષતાવાળી ઈન્ટરનેશનલ પેનલ ભંગ કરી દેવામાં આવી અને સંબંધિત દેશોને જ નામ રાખવા જણાવ્યું. ત્યારબાદ ભારતની પહેલ પર પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાંમાર, માલદીવ, ઓમાન, શ્રીલંકા અને થાઈલેન્ડ સહિતના આઠ દેશનું ગ્રૂપ બન્યું હતું. 2018માં આ ગ્રૂપ સાથે ઈરાન, કતાર, સાઉદી અરેબિયા, UAE અને યમન જેવા વધુ પાંચ દેશ જોડાયા. આ 13 દેશોએ 13-13 નામની ભલામણ કરી હતી. જે મુજબ કુલ 169 નામનું લિસ્ટ તૈયાર થયું હતું. દરેક દેશના નામ મુજબ ABCDના ક્રમમાં એક પછી એક નામ આવે છે. બાંગ્લાદેશે આપેલું ‘તાઉ-તે’ નામ એ પૈકીનું જ એક છે. મહત્ત્વનું છે કે, નવેમ્બર 2020માં સોમાલિયામાં જે સાગર વાવાઝોડું ત્રાટક્યું હતું એ નામ ભારતે આપેલું હતું. ભારતે આપેલા નામમાં મેઘ, વાયુ, ગતિ, તેજ, મરાસુ, આગ અને નીર જેવા નામોનો સમાવેશ થાય છે.
જ્યારે વાવાઝોડાંની ગતિ 62 કિમી પ્રતિ કલાકથી વધુ હોય ત્યારે નામ જરૂરી છે. આ નામ એટલા માટે આપવામાં આવે છે કે, આગાહી અને ચેતવણી આપવામાં હવામાન વિભાગને અનુકૂળતા રહે. કોઈ એક ચોક્કસ નામથી છેલ્લી વ્યક્તિ સુધી સરળતાથી સંદેશ પહોંચાડી શકાય છે, અને જાનમાલના નુકસાન ઓછું કરી શકાય. એક જ સમયે જો બે વાવાઝોડાં આવે તો પણ નામકરણને કારણે કોઈ જ ભ્રમ રહેતો નથી
જો કે વાવાઝોડાંના નામકરણ પાછળ પણ ચોક્કસ માપદંડ છે. જે નામ આપવામાં આવે તે નાનું અને સરળ હોવું જોઈએ. તેનો અર્થ સાંસ્કૃતિક રૂપે સંવેદનશીલ કે ભડકાઉ ન હોવો જોઈએ.