વાવાઝોડાની દહેશત સૌરાષ્ટ્રના દરિયાઇ વિસ્તારમાં હોવાની આગાહીને પગલે તંત્ર એક્શન મોડમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તંત્રના દાવા સામે સોમનાથના ધારાસભ્ય વિમલ ચૂડાસમાએ દાવો કરતાં જણાવ્યું છે કે સોમનાથના દરિયાઇ વિસ્તારમાં માછીમારી કરવા ગયેલી 200થી 300 બોટનો સંપર્ક થયો નથી, એનો સંપર્ક કરી તેમની બચાવ કામગીરી ત્વરિત કરવી જરૂરી છે. હેલિકોપ્ટર કે નેવીની મદદથી કિનારે ત્વરિત પહોંચાડવા વ્યવસ્થા કરવામાં આવે એવી માગ કરી છે.
છેલ્લા બે દિવસથી દરિયાઇ વિસ્તારમાં માછીમારી કરવા ગયેલા માછીમારોને દરિયો ન ખેડવા અને પરત કિનારે પહોંચવા સૂચના આપવામાં આવી હતી, જે પૈકી મોટા ભાગની બોટ પરત આવી ગઇ છે, પરંતુ સોમનાથ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય વિમલ ચૂડાસમાનો દાવો છે કે મધદરિયે હજુ પણ 200થી 300 બોટ છે, જેમનો સંપર્ક થયો નથી. તેમને નેવી અથવા હેલિકોપ્ટર મદદથી જાણ કરી કિનારે ત્વરિત પહોંચાડવા આયોજન કરવામાં આવે એ માટે પત્ર લખી મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
આ સાથે પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે વેરાવળ બંદર ગુજરાત રાજ્યનું સૌથી મોટું બંદર છે અને અહીં લગભગ 5000 જેટલી બોટ પરત આવી ગઇ છે. હાલ વેરાવળ-સોમનાથ બંદરની હાલત ગંભીર જોવા મળી રહી છે. માટે આ વિસ્તારના અને નીચાણવાળા વિસ્તારમાં લોકોને જીવનજરૂરિયાતની વસ્તુ પહોંચાડવા વ્યવસ્થા કરવામાં આવે એવી અપીલ કરવામાં આવી છે.