વાવાઝોડાએ રસ્તો બદલતા હવે દીવ તરફ સંકટ વધ્યું છે. દીવના દરિયા કિનારા માટે વધુ ચિંતા ઉભી થઈ છે. આ કારણે ઉના અને દીવના 35 ગામો પર વધુ ખતરો તોળાઈ રહ્યો છે. આ કારણે લોકોના સ્થળાંતરને લઈને પ્લાનિંગ શરૂ કરાયુ છે.
તો બીજી તરફ દીવ કોસ્ટ માટે યલો એલર્ટ જાહેર કરી દેવાયું છે. વવાઝોડાએ પુનઃ પોતાનો માર્ગ બદલ્યો છે. તૌકતે વાવાઝોડું 17 મેના રોજ સાંજે અથવા 18 મેના રોજ વહેલી સવાર દરમ્યાન પોરબંદર-મહુવાથી પસાર થશે.
જોકે, ગુજરાત પર વાવાઝોડાનું સંકટ યથાવત છે. માત્ર વાવાઝોડાની દિશા દક્ષિણ પૂર્વ તરફ વળી છે. વાવાઝોડું જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ વધુ મજબૂત થઇ રહ્યું છે. રાજ્યમાં વાવાઝોડાની સિવિયર અસર થશે. 17 તારીખે વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારાની વધુ નજીક આવશે. 18 મેના રોજ સવારે પોરબંદરથી મહુવા વચ્ચે ત્રાટકવાની સંભાવના છે.
જેથી તેની સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર, કચ્છ, જુનાગઢ, અમરેલી, વેરાવળ, દીવ પર થશે. આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વાવાઝોડું હાલ 150 થી 160 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. આ કારણે દરિયા કાંઠે 2 નંબરનું સિગ્નલ એક્ટિવ કરવામાં આવ્યુઁ છે. તમામ દરિયાકાંઠે 1.5 થી 3 મીટર ઊંચા મોજા ઉછળશે.