આ વર્ષનું પહેલુ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકવાનું છે. તૌકતે વાવાઝોડ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આજે સવારે લક્ષદ્વીપ વિસ્તારમાં ડિપ્રેશન બની ગયું છે. આગામી 12 કલાકમાં ડિપ-ડિપ્રેશન બનશે અને આવતીકાલે સાયક્લોન માં તબદીલ થશે. ગુજરાતના દરિયાઈ વિસ્તાર ખાતે 18 તારીખે સવારે વાવાઝોડું પહોંચશે. વાવાઝોડાની અસરરૂપે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદની શક્યતા છે.
16 તારીખથી દીવ અને ગીર-સોમનાથમાં વરસાદ પડવાની શરૂઆત થશે.
તેના બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, ગીરસોમનાથ, દીવ, દ્વારકા, અમરેલી ખાતે 16 તારીખથી 18 તારીખ સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે. તો 18 તારીખે સાયક્લોન સૌરાષ્ટ્ર ખાતે દરિયાઈ વિસ્તાર સુધી પહોંચશે. 18 તારીખે ગુજરાતના દરિયાઈ વિસ્તારની આસપાસ 100 ની ગતિથી પવનો ફૂંકાશે.
આ વાવાઝોડા વચ્ચે દરિયા કાંઠાના તમામ માછીમારોને પરત ફરવાની સૂચના આપી દેવાઈ છે. તેમજ 16 તારીખથી દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે. વાવાઝોડાની અસર રૂપે દક્ષિણ અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે. અદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતા છે.
જામનગરમા હજી પણ 185 જેટલી માછીમારી બોટ દરિયામાં છે. અત્યાર સુધી 37 જેટલી બોટો દરિયાકાંઠે આવી ગઈ છે. જામનગરમાં તૌકતે સાયક્લોનની સંભવિત અસરોને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યુ છે. દરેક તાલુકામાં કલાસ-1 અધિકારીઓની લાયઝન ઓફિસર તરીકે નિમણૂક કરાઈ છે. રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ બનાવાયો છે.