ઘરે લગ્ન ગીતો ગવાતા હતાને સ્મશાનેથી ફોન આવ્યો, પીઠી ચોળેલા હાથે જ 3 મૃતદેહને અગ્નિદાહ આપવો પડ્યો

0

કોરોનાકાળ દરમિયાન એવા કિસ્સાઓ પણ આપણી સમક્ષ આવે છે જેમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા લોકોએ પરિવાર અને પ્રસંગ પહેલાં પોતાની ફરજને પ્રાધાન્ય આપ્યું હોય. વલસાડના પારડીમાં પણ આવો જ એક કિસ્સો બન્યો છે, જેમાં સ્માશનમાં કોઇ કારણવશ ટેક્નિકલ ખામી સર્જાતાં પારડીના યુવકને ફોન કરાયો હતો.ફોન આવ્યો ત્યારે તેના ઘરમાં લગ્નનાં ગીતો ગવાતાં હતાં અને તેની પીઠી ચોળાઈ રહી હતી.

યુવક પીઠી ચોળેલાં કપડાંમાં જ સ્મશાનધામ પહોંચ્યો હતો અને 3 મૃતદેહોને અગ્નિદાહ આપ્યા હતા. વલસાડ જિલ્લાના પારડીમાં આવેલા સ્મશાનગૃહમાં ગૌરવભાઈ કમલેશભાઈ નામનો યુવક સ્મશાનમાં મૃતદેહોને અગ્નિદાહ આપવાનું કામ કરે છે. મંગળવારે ગૌરવભાઈના લગ્ન હતા, એ વખતે તેમના ઘરે લગ્નનો મંડપ બંધાયો હતો અને ઘરે લગ્નનાં ગીતો ગવાઈ રહ્યાં હતાં.

પરિવારજનો ઉત્સાહમાં હતા એ વખતે જ તેમના લગ્નના દિવસે જ સ્મશાનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. આથી સ્મશાનગૃહના સંચાલકોએ ગૌરવભાઈને જાણ કરતાં તાત્કાલિક પીઠી ચોળેલાં કપડાંમાં જ તેઓ સ્મશાન પહોંચ્યા હતા.

ટેક્નિકલ પ્રોબ્લેમને સોલ્વ કર્યા બાદ પણ અડધો કલાક સુધી સ્મશાનમાં રોકાઇને ત્રણ મૃતદેહને અગ્નિદાહ પણ આપ્યો હતો.પોતાના લગ્નના દિવસે પણ પીઠી ચોળેલી અવસ્થામાં સ્મશાનમાં આવી મૃતદેહોને અગ્નિદાહ આપી પોતાની ફરજ અને આ આફતના સમયમાં હર સંભવ મદદરૂપ થવા માટેના પ્રયાસ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed